તા. 19 જુલાઈ 1827ના દિવસે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં ભૂમિહાર બ્રાહ્ણ એક યુવકનો જન્મ થયો હતો. તે પોતાની જિંદગીના ત્રણ દાયકા પૂર્ણ કરે તે પહેલા તેનું મોત થઈ ગયું. જો કે, આટલી ઉંમરમાં પણ તેણે એવું કામ કર્યું કે દોઢસો વર્ષ પછી પણ તેનું નામ ઈતિહાસમાં અમર છે. આ યુવક એટલે મંગલ પાંડે.
મંગળ પાંડે ધાર્મિક વ્યક્તિ હતો અને હિન્દુ ધર્મના રીત રિવાજોનું અનુસરણ કરતો યુવક હતો. વર્ષ 1849માં 22 વર્ષની ઉંમરે તેણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની 34મી બંગાળ નેટિવ ઈન્ફેન્ટ્રીની છઠ્ઠી કંપનીમાં નોકરી લીધી. મંગલ પાંડેને ફરજ પાડવામાં આવી કે, તેમણે સેનામાં નવી દાખલ કરવામાં આવેલી એન્ફિલ્ડ રાયફલના કારતુસ મોઢાથી ખોલવાનો ઈન્કાર કરી દીધો. કારણ કે, તેમાં ગાય અને સુવરની ચરબી ચડાવવામાં આવી હોવાની ચર્ચા હતી.
મંગલ પાંડેએ બેરેકપુર ખાતે સિપાહીઓને સંબોધન કર્યું હતું તેણે લેફટન્ટ બાગની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાંડે ચૂકી ગયો. લેફ. બાગે વળતો હુમલો કર્યો. આથી, મંગલ પાંડે તેની તલવાર લઈને ધસી ગયો અને તેને ઈજા પહોંચાડી. અંગ્રેજ સાર્જન મેજર હેવસને જમાદારની ધરપકડનો આદેશ કર્યો. દરમિયાન મંગલ પાંડેને અટકાવવાના હેતુથી શેખ પાલતુ નામના શખ્સે તેને પકડી લીધો. પરંતુ, અન્ય કોઈ સિપાહી મંગલ પાંડેને પકડવા માટે આગળ ન આવ્યો. સિપાહીઓએ તેની ઉપર પથ્થર અને જૂતા ફેંક્યા. શેખ પાલતુએ અન્ય લોકો પાસે પણ મદદ માંગી. પરંતુ, સિપાહીઓએ ધમકી આપી કે જો તે મંગલ પાંડેને છોડશે નહીં, તો તેમને ઠરા મારી દેવામાં આવશે. આથી, પાલતુએ તેને છોડી દીધો. દરમિયાન મંગલ પાંડેએ છાતી પર ગોળી રાખીને ફાયર કર્યું. જેના કારણે મંગલ પાંડેને ઈજા પહોંચી, પરંતુ, તે ગંભીર ન હતી.
લગભગ એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં તેની સામે ખટલો માંડવામાં આવ્યો જેમાં પાંડેએ સ્વીકાર્યું હતું કે, તેમણે ભાંગ અને અફીણના નશામાં આ કામ કર્યું હતું. પાંડેના કહેવા પ્રમાણે, નશાની હાલતમા તેમણે શુંકર્યું તે અંગે તેમને કોઈ જાન ન હતી. ખઠલાના અંતે સિપાહી મંગલ પાંડે અને જમાદાર ઈશ્વરી પ્રસાદને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. મંગલ પાંડેને અઢારમી એપ્રિલે ફાંસી આપવામાં આવનારી હતી. પરંતુ તેના કેટલાક દિવસો અગાઉ જ ફાંસી આપી દેવામાં આવી હતી. જ્યારે જમાદાર ઈશ્વરી પ્રસાદને તા. 21 એપ્રિલના ફાંસી આપવામાં આવી.
નાયક કે પ્રતિનાયક
34મી બંગાલ નેટિવ ઈન્ફેન્ટ્રીને ભંગ કરી દેવામાં આવી હતી. બળવાખોર સિપાહીને અટકાવવામાં નિષ્ફળ રહેવા તથા અંગ્રેજ અધિકારીને નહીં બચાવવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો. આ પ્રકરણ દરમિયાન અંગ્રેજોની રક્ષા કરનારા શેખ પાલતુને હવલદારની પદ્દવી આપવામાં આવી.
ઇતિહાસકાર સુરેન્દ્ર નાથ સેન નોંધે છે કે, 34મી ઈન્ફેન્ટ્રીનો રેકોર્ડ સારો હતો. અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઘટનાના ચાર અઠવાડિયા પહેલા બેહરામપુરમાં 19મી બંગાળ નેટિવ ઈનફેન્ટ્રીના બળવા સાથે કોઈ સંબંધ ન હતો. જો કે, મંગલ પાંડેની હરકત અને તે સમયે અંગ્રેજ અધિકારીઓને સાથ નહીં આપવાના કારણે અંગ્રેજ અધિકારીઓને લાગવા લાગ્યું હતું કે, સમગ્ર રેજિમેન્ટ પર જ વિશ્વાસ મુકી શકાય તેમ નથી. એવું જણાય છે કે, પાંડેએ અન્ય સિપાહીઓને વિશ્વાસમાં લીધા વગર જ આ કૃત્ય કર્યું હતું. ત્યાં હાજર રહેલા સિપાહીઓમાં અંગ્રેજ અધિકારીઓ પ્રત્યે નારાજગી પ્રવર્તતી હતી, આથી, બ્રિટિશ અધિકારીઓ સાથે અથડામણ થઈ ત્યારે કોઈ સિપાહી આગળ આવ્યો ન હતો.
અંગ્રેજો તેમને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માંગે છે, તેવી ચર્ચા ખ્રિસ્તી તથા મુસ્લિમ સિપાહીઓમાં થઈ રહી હતી. જેને આ ઘટનાએ હવા આપી અને ભારતીય સિપાહીઓ ઉશ્કેરાઈ ગયા. દેશમાં અવધ, મેરઠ, દિલ્હી વગેરે સ્થળોમાં છૂટાછવાયાં બળવા થયા. જેમાં કેટલાક અંગ્રેજો માર્યા ગયા. જો કે, છેવટે ભારતના જ લોકોની મદદથી આ આંદોલનને ડામી દેવામાં અંગ્રેજોને સફળતા મળી. સંકલિત, સુગ્રથિત અને સંગઠિત પ્રયાસોના અભાવે આ ચળવળ નિષ્ફળ રહી.
પાંડે બની ગઈ હતી ગાળ
અંગ્રેજી ભાષાના સાહિત્યમાં પાંડેય(Pandey) અટકનો ઉલ્લેખ પાંડે (Pandy)તરીકે ઓળખવામાં આવતો છે. મંગલ પાંડેની દેશભક્તિના કારણે અંગ્રેજોએ તેને ગદ્દારના સમાનાર્થી બનાવી દીધો હતો. એક સમયે ભારતના અંગ્રેજી બોલતા લોકોમાં અને અંગ્રેજોમાં આ એક પ્રચલિત પરિભાષા હતી. જો કે, આજે એ શબ્દનો ઉપયોગ નથી થતો અને મંગલ પાંડે દેશના સન્માનિત લડવૈયા છે. તેમના જીવન પરથી ફિલ્મો બની છે. અનેક કથાઓમાં તેઓ નાયક તરીકે જોવા મળે છે.
તમારો મત
તમારા મતે મંગલ પાંડેને નાયક માનો છો કે પ્રતિનાયક ? શું ભારતીયો સંકલિત અને સંગઠિત હોત તો તેઓ અંગ્રેજોને વર્ષ 1857માં જ ઉખેડી ફેંકવામાં સફળ રહ્યાં હોત ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની ઈન્ટરનેટ નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ વિવાદાસ્પદ કે ટીકાકારક ટિપ્પણી કરવી ગુનો છે. આ પ્રકારની ટિપ્પણી કરનારી વ્યક્તિ કાયદેસર રીતે જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષાને સંયમિત રાખો
No comments:
Post a Comment